‘એક વાર અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક ડો. એડવર્ડ ટેલરને પૂછવામાં આવ્યું- તમારું સંતાન પણ વૈજ્ઞાનિક બને એવું તમે ઇચ્છો છો? એમણે જવાબા આપ્યો ‘બાળકને વૈજ્ઞાનિક બનાવવા માટે એનામાં વીજળીની ગતિથી ચાલતા મગજની આવશ્યકતા નથી, એને ચમત્કારી યાદદાસ્તની પણ જરૂર નથી, એને સ્કૂલમાં ઊંચા ગ્રેડ મળે એ પણ જરૂરી નથી. સૌથી મહત્વની વાત એ છે કે બાળકને વિજ્ઞાનમાં ઊંડો રસ હોવો જોઇએ.’
વિચારકો માને છે કે માણસ પાસે જ્ઞાન હોય એ પૂરતું નથી. માણસ એના જ્ઞાનનો કેવો અને કેટલો રચનાત્મક ઉપયોગ કરી શકે છે એના પર બધો આધાર રહેલો છે.
એક વાર ટી.વી. પર ક્વિઝનો પ્રોગ્રામ ચાલતો હતો. એક સફળ બિઝનેસમેન એના મિત્ર સાથે બેસીને એ કાર્યક્રમ જોતા હતા. કાર્યક્રમમાં એક યુવાન એને પૂછવામાં આવી રહેલા બધા જ પ્રશ્નોના કડકડાટ જવાબ આપી રહ્યો હતો. એવો કોઇ પ્રશ્ન નહોતો, જેના વિશે યુવાન પાસે માહિતી ન હોય.
બિઝનેસમેને એના મિત્રને કહ્યું- ‘હું આ યુવાનને વાર્ષિક ૫૦૦ રૂપિયાથી વધારે પગાર આપું નહીં. આ યુવાન જીવતોજાગતો માનવ-એનસાઇક્લોપીડિયા (જ્ઞાનકોશ)છે અને હું નથી માનતો કે કોઈ સારામાં સારા એન્સક્લોપીડિયાની કિંમત વધારે હોય.
આ યુવાન જે જાણે છે, એણે જ્યાંથી બધી માહિતીઓ એકઠી કરી હશે એ જનરલ નોલેજનું પુસ્તક તો સો-દોઢસો રૂપિયામાં પણ મળી જાય.’વાત સાચી છે. માત્ર માહિતીઓ એકઠી કરવાથી માણસ બુદ્ધિમાન બની જતો નથી. એવા પુસ્તકિયા જ્ઞાનથી માણસ કોઇ સમસ્યાનો વ્યાવહારિક ઉકેલ મેળવી શકતો નથી.
ખરેખર તો જે માણસ નવા વિચારો આપી શકે, પેલા બિઝનેસમેનના શબ્દોમાં કહીએ તો ‘જે લોકો સપનાં સેવી શકે અને એ સપનાંને વ્યાવહારિક ભૂમિકામાં પલટાવી શકે’ એવા માણસો જ સાચા અર્થમાં સફળતા મેળવી શકે છે. ‘માત્ર માહિતીઓના ભંડાર જેવા માણસ’ના જ્ઞાનનો કોઇ ઉપયોગ હોતો નથી.
ડો. ડેવિડ જે. શ્વાર્ટ્ઝે એમના પુસ્તક ‘મેજિક ઓફ થિન્કિંગ બિગ’માં લખ્યું છે. ‘મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન વિશે એક પ્રસંગ કહેવામાં આવે છે. એક વાર એમને પૂછવામાં આવ્યું કે એક માઇલમાં કેટલા ફૂટ હોય છે.
જવાબ હતો. મને ખબર નથી. જે તથ્યો વિગતો હું સ્ટાન્ડર્ડ રેફરન્સ બુકમાંથી બે જ મિનિટમાં શોધી શકું એના વિશેની માહિતીથી મારા મગજને શા માટે ભરું?’
આપણું મગજ માહિતીઓ ભેગી કરવા માટેનું ગોદામ નથી. મગજનું કામ નવા-નવા વિચારો કરવાનું છે. એવા વિચારોથી જ માણસ રચનાત્મક અને સર્જનાત્મક રીતે ‘જરા હટ કે’ કામ કરી શકે છે.
આપણે અને આપણી શિક્ષણ પદ્ધતિએ ધારી લીધું છે કે જ્ઞાન હોવું - માહિતીઓ હોવી એ જ સાચી શક્તિ છે. જ્ઞાન-માહિતી હોવાં જરૂરી છે, પણ માણસ એનો કેવી રીતે ઉપયોગ કરે છે એના પર જ એ ‘શક્તિ’ તરીકે સાબિત થાય છે.
તાજતરમાં બે હિન્દી ફિલ્મોમાં લોકોને ખૂબ રસ પડ્યો છે. આમિર ખાનની મુખ્ય ભૂમિકાવાળી ‘૩ ઇડિયટ્સ’ અને રણબીર કપૂરની મૂખ્ય ભૂમિકાવાળી ‘રોકેટ સિંઘ’ બંને ફિલ્મો લોકોને એટલા માટે તાજી લાગી છે કે એમાં જ્ઞાન - માહિતી - પરંપરાગત સેલ્સમેનશિપ વગેરે જેવા મુદ્દાઓને જુદી રીતે જોવામાં આવ્યા છે.
‘૩ ઇડિયટ્સ’માં માત્ર પરીક્ષામાં અવ્વલ નંબરે આવવા માટે કરેલી ગોખણપટ્ટી નહીં, પણ જ્ઞાનનો વ્યાવહારિક- સર્જનાત્મક ભૂમિકાએ ઉપયોગ કરીને મળતી સફળતાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
જિંદગીને રિલેક્સ રીતે લેવાથી જ જીવનના ગંભીરમાં ગંભીર પ્રશ્નોમાંથી માર્ગ કાઢી શકાય છે. માણસે ‘મશીન’ બનાવનું નથી. એણે મશીનની શોધ કરી છે, એ મશીનનો માલિક છે-ગુલામ નથી.
‘રોકેટ સિંઘ’માં સેલ્સમેનશિપનાં પરંપરાગત ધારાધોરણો અને પદ્ધતિઓથી જુદા પડીને ગ્રાહકોને સેવા આપવાના મુદ્દે ભાર મૂકવામાં આવ્યો છે. બંને ફિલ્મો જોતાં એવું લાગે છે, જાણે આપણે સફળ જીવનની ચાવીઓ દર્શાવતાં પ્રેરણાત્મક પુસ્તકો વાંચી રહ્યા છીએ.
એ ફિલ્મમાં સકારાત્મક અભિગમની વાત છે અને એમાં ‘સફળતા’ શબ્દનો અર્થ જુદી રીતે આપવામાં આવ્યો છે. એથી જ એ ફિલ્મો સામાન્ય પ્રેક્ષકને પણ સ્પર્શી જાય છે.
બીજો પણ એક સંદેશ મળે છે. જેમાં રસ પડતો હોય એ કામ જ કરવું જોઇએ. ઘણાં મા-બાપ એમનાં સંતાનોને શેમાં રસ પડે છે તે જોયા-જાણ્યા વિના પોતાની ઈચ્છાઓ બાળકો પર લાદે છે. પરિણામે બાળકનો વિકાસ રૂંધાય છે.
ડો. શ્વાર્ટ્ઝે કહેલી બીજી વાત આ સંદર્ભે જોઇએ, ‘એક વાર અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક ડો. એડવર્ડ ટેલરને પૂછવામાં આવ્યું- તમારું સંતાન પણ વૈજ્ઞાનિક બને એવું તમે ઇચ્છો છો?
એમણે જવાબા આપ્યો ‘બાળકને વૈજ્ઞાનિક બનાવવા માટે એનામાં વીજળીની ગતિથી ચાલતા મગજની આવશ્યકતા નથી, એને ચમત્કારી યાદદાસ્તની પણ જરૂર નથી, એને સ્કૂલમાં ઊંચા ગ્રેડ મળે એ પણ જરૂરી નથી. સૌથી મહત્વની વાત એ છે કે બાળકને વિજ્ઞાનમાં ઊંડો રસ હોવો જોઇએ.’
પ્રશ્ન રસ-રુચિ અને કશુંક નવી રીતે કરવાના ઉત્સાહનો જ છે.
Saturday, January 23, 2010
માણસનું મગજ ગોદામ નથી
Vinesh Antani
Subscribe to:
Posts (Atom)